સોનાવેશ દર્શન, ગજરાજોનું પૂજન અને રથનું સ્વાગત...: આજે જગન્નાથજી મંદિરમાં યોજાઈ પૂજા વિધિ,આવતીકાલે નગરચર્યાએ નીકળશે નાથ
અમદાવાદ શહેરમાં ભગવાન જગન્નાથજીની 149મી રથયાત્રા પૂર્વે જમાલપુર સ્થિત જગન્નાથ મંદિરમાં આજે ભક્તિ, પરંપરા અને શ્રદ્ધાનો અનોખો સંગમ જોવા મળ્યો હતો. અષાઢી બીજની પૂર્વ સંધ્યાએ ભગવાન જગન્નાથજી, બલરામજી અને સુભદ્રાજીનો વૈદિક મંત્રોચ્ચાર વચ્ચે ભવ્ય સોનાવેશ કરવામાં આવ્યો હતો. ભગવાનને સોનાના અલંકારોથી શણગારવામાં આવતા મંદિરનું સમગ્ર વાતાવરણ ભક્તિમય બની ગયું હતું. વહેલી સવારથી જ મોટી સંખ્યામાં શ્રદ્ધાળુઓ સોનાવેશના દર્શન માટે ઉમટી પડ્યા હતા અને "જય રણછોડ માખણચોર" તેમજ "જય જગન્નાથ"ના જયઘોષથી સમગ્ર મંદિર પરિસર ગુંજી ઉઠ્યું હતું. ભગવાનના દિવ્ય સ્વરૂપના દર્શન કરી ભક્તોએ ધન્યતા અનુભવી હતી.
ગજરાજો અને રથનું ફૂલોથી કરાયું સ્વાગત
રથયાત્રાની પરંપરા મુજબ ભગવાનની યાત્રામાં સૌથી આગળ ગજરાજો પ્રસ્થાન કરતા હોય છે. આ પરંપરાને જાળવી રાખતાં આજે સવારે રથયાત્રામાં જોડાનારા તમામ ગજરાજોને મંદિર પરિસરમાં લાવવામાં આવ્યા હતા. વૈદિક વિધિ અનુસાર તેમનું વિશેષ પૂજન કરવામાં આવ્યું હતું. ગજરાજો અને ભગવાનના રથનું ફૂલોથી ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું હતું. ત્યારબાદ ભગવાન જગન્નાથજી, બલરામજી અને સુભદ્રાજીના રથોને મંદિર પરિસરમાં લાવવામાં આવ્યા હતા, જ્યાં ભક્તોએ રથોના દર્શન કરી આવતીકાલે નીકળનારી ભવ્ય નગરયાત્રા માટે ઉત્સાહ વ્યક્ત કર્યો હતો. હવે આવતીકાલે ભગવાન જગન્નાથજી નગરચર્યા માટે ભવ્ય રથમાં બિરાજમાન થઈ લાખો ભક્તોને દર્શન આપવા નીકળશે.
ગજરાજો ગણપતિનું સ્વરૂપ, નિર્વિઘ્ન રથયાત્રા માટે કરાઈ પ્રાર્થના
મંદિરના મહારાજે જણાવ્યું હતું કે ભગવાન જગન્નાથજી, સુભદ્રાજી અને બલરામજી આવતીકાલે સમગ્ર મહાનગરની જનતાને રથમાં બિરાજમાન થઈ દર્શન આપવા નીકળવાના છે અને તેની આતુરતાપૂર્વક લાખો ભક્તો રાહ જોઈ રહ્યા છે. રથયાત્રાના એક દિવસ અગાઉ ગજાનંદ ગણપતિ મહારાજના સ્વરૂપ માનવામાં આવતા ગજરાજોનું વિશેષ પૂજન કરવામાં આવે છે. હિન્દુ શાસ્ત્રોમાં કોઈપણ શુભ કાર્ય પહેલાં ગણપતિજીનું સ્મરણ કરવામાં આવે છે અને ગજરાજોને પણ ગણપતિનું સ્વરૂપ માનવામાં આવે છે. તેથી ભગવાનના સાનિધ્યમાં ગજરાજોની પૂજા કરીને એવી પ્રાર્થના કરવામાં આવે છે કે ભગવાન જગન્નાથજીની સમગ્ર યાત્રા નિર્વિઘ્ન પૂર્ણ થાય, તમામ ભક્તોને સુખ-શાંતિ અને સમૃદ્ધિ મળે તેમજ ભગવાન અને ગજાનંદ ગણપતિ મહારાજની કૃપા સમગ્ર નગર પર વરસે.
આવતીકાલે નાથ નગરચર્ચાએ નીકળશે.
ધારાસભ્ય કૌશિક જૈને ગજરાજોની પૂજા કરી વ્યક્ત કરી ધન્યતા
દરિયાપુર વિધાનસભાના ધારાસભ્ય કૌશિક જૈને અમદાવાદના મેયર હિતેશ બારોટ સાથે ગજરાજોની પૂજા કરી હતી. તેમણે જણાવ્યું કે ભગવાન જગન્નાથજીની રથયાત્રા અમદાવાદની આસ્થા અને ગૌરવનું પ્રતિક છે. રથયાત્રામાં જોડાનારા ગજરાજોની પૂજા કરવાનો અવસર મળવો તેમના માટે ગૌરવની વાત છે. તેમણે વિશ્વાસ વ્યક્ત કર્યો કે દરિયાપુર સહિત સમગ્ર માર્ગ પર લાખો ભક્તોના સ્વાગત માટે પૂરતી વ્યવસ્થા કરવામાં આવી છે અને આ ભવ્ય રથયાત્રા શાંતિપૂર્ણ, સુરક્ષિત અને ભવ્ય રીતે પૂર્ણ થશે.
મેયર હિતેશ બારોટે વ્યક્ત કરી ભાવુકતા
અમદાવાદના મેયર હિતેશ બારોટે ગજરાજોની પૂજા વિધિમાં ભાગ લીધો હતો. તેમણે જણાવ્યું કે બાળપણથી તેઓ ભગવાન જગન્નાથજીની રથયાત્રા નિહાળતા આવ્યા છે અને ક્યારેય કલ્પના પણ કરી નહોતી કે એક દિવસ અમદાવાદના મેયર તરીકે તેમને ગજરાજોની પૂજા કરવાનો અવસર મળશે. ગજરાજો ગણપતિજીના સ્વરૂપ હોવાથી તેમની પૂજા રથયાત્રાના શુભ પ્રારંભનું પ્રતિક છે. તેમણે ભગવાન જગન્નાથજીને પ્રાર્થના કરી હતી કે સમગ્ર રથયાત્રા સુખ, શાંતિ, સલામતી અને સમૃદ્ધિ સાથે પૂર્ણ થાય તેમજ દરેક નગરજનને ભગવાનના દિવ્ય દર્શનનો લાભ મળે.
મંદિર ટ્રસ્ટીએ પરંપરાનું મહત્વ સમજાવ્યું
ગજરાજોના પૂજન બાદ જગન્નાથ મંદિરના ટ્રસ્ટી મહેન્દ્ર ઝાએ જણાવ્યું હતું કે વર્ષોથી ચાલી આવતી પરંપરા મુજબ અષાઢી બીજના દિવસે ગજરાજોની આગેવાનીમાં ભગવાન જગન્નાથજીની રથયાત્રા નીકળે છે. તે પહેલાં મંદિરના પ્રાંગણમાં ગજરાજોને બોલાવી ભગવાનના સાનિધ્યમાં તેમનું પૂજન કરવામાં આવે છે અને એવી પ્રાર્થના કરવામાં આવે છે કે ભગવાન સમગ્ર નગરમાં જનતા જનાર્દનને દર્શન આપી હેમખેમ અને મંગલમય રીતે ફરી મંદિર પરત ફરે. તેમણે વધુમાં જણાવ્યું હતું કે આજે સાંજે રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ જગન્નાથ મંદિરે પધારી ભગવાનના દર્શન કરશે તેમજ વિશિષ્ટ આરતી અને પૂજનમાં ભાગ લેશે.
આવતીકાલે ભક્તિના મહાપર્વની સાક્ષી બનશે અમદાવાદ
જગન્નાથ મંદિરમાં આજે યોજાયેલી સોનાવેશ વિધિ, ગજરાજોનું પૂજન, રથોના આગમન અને ભવ્ય સ્વાગત સાથે સમગ્ર અમદાવાદમાં રથયાત્રાનો ઉત્સાહ ચરમસીમાએ પહોંચી ગયો છે. મંદિર પરિસરમાં ભક્તોની ભારે ભીડ જોવા મળી રહી છે અને દરેકના ચહેરા પર ભગવાનના દર્શનની આતુરતા સ્પષ્ટ દેખાઈ રહી છે. હવે સૌની નજર આવતીકાલે યોજાનારી 149મી જગન્નાથ રથયાત્રા પર કેન્દ્રિત છે, જ્યારે ભગવાન જગન્નાથજી, બલરામજી અને સુભદ્રાજી ભવ્ય રથમાં બિરાજમાન થઈ લાખો ભક્તોને દર્શન આપવા માટે અમદાવાદની નગરચર્યાએ પ્રસ્થાન કરશે.
રથયાત્રામાં સૌથી પહેલા પ્રસ્થાન ગજરાજો કરાવતા હોય છે. તેથી ગજરાજોનું પૂજન કરવામાં આવે છે.
Comment / Reply From
You May Also Like
સુરતના પૂરગ્રસ્ત વેપારીઓ માટે રાજ્ય સરકારનું મોટું રાહત પેકેજ: 1 લાખ સુધીની રોકડ સહાય અને 30 લાખ સુધીની લોનની જાહેરાત
ગાંધીનગર: સુરત શહેરમાં તાજેતરમાં આવેલા ભારે વરસાદ અને પૂરના કારણે વેપારીઓને થયેલા વ્યાપક નુકસાનની ભરપાઈ કરવા રાજ્ય સરકારે એક વિશેષ રાહત પેકેજની જાહેરાત કરી છે....
સરખેજ-ધોળકા રોડ પરનો લોડિંગ ટ્રક અને આઇસર વચ્ચે અકસ્માત: આઇસર ચાલકનો મૃતદેહ ટ્રકની બોડી કાપીને બહાર કાઢ્યો
અમદાવાદ શહેર નજીક આવેલા સરખેજ-ધોળકા હાઇવે પર આજે વહેલી સવારે એક લોડિંગ ટ્રક અને ઈંટો ભરેલા આઇસર વચ્ચે ગંભીર અકસ્માત સર્જાયો હતો. આ દુર્ઘટનામાં આઇસર ચાલકનું ઘટના...
રથયાત્રા પૂર્વે ભાવનગરમાં એમ્બ્યુલન્સના બહાને દારૂની હેરાફેરીનો ભાંડો ફૂટ્યો: 4.14 લાખનો મુદ્દામાલ જપ્ત
રથયાત્રાના તહેવાર પૂર્વે શહેરમાં કાયદો અને વ્યવસ્થાની જાળવણી માટે સઘન ચેકિંગ કરી રહેલી ભાવનગર લોકલ ક્રાઇમ બ્રાન્ચ (LCB) ને મોટી સફળતા સાંપડી છે. પોલીસે એમ્બ્યુલ...
અમરેલીના આગરીયા ગામમાં મધરાતે સિંહોના આંટાફેરા: CCTV માં દ્રશ્યો કેદ થતાં ગ્રામજનોમાં ફફડાટ
અમરેલી જિલ્લાના રાજુલા તાલુકાના આગરીયા ગામમાં મધરાતે શિકારની શોધમાં સિંહો ગામમાં ઘૂસી આવતાં સ્થાનિકોમાં ભયનો માહોલ વ્યાપી ગયો છે. ગામની શેરીઓમાં આંટાફેરા કરતા સ...
અમરેલીના રાજુલામાં SOG ની કાર્યવાહી: રહેણાંક મકાનમાંથી 5 કિલો ગાંજો ઝડપાયો, 1 ની ધરપકડ
અમરેલી જિલ્લાના રાજુલા શહેરમાં સ્પેશિયલ ઓપરેશન ગ્રુપ દ્વારા નશીલા પદાર્થોના ગેરકાયદે વેપાર સામે મોટી અને સફળ કાર્યવાહી કરવામાં આવી છે. SOG ની ટીમે બાતમીના આધારે...
સુરત :: સુરત : કામરેજમાં શંકાસ્પદ ઘી પર તવાઈ, ફૂડ વિભાગે સેમ્પલ લઈને તપાસ શરૂ કરી
સુરત જિલ્લાના કામરેજ વિસ્તારમાં આવેલા નવાગામની શ્રીજી ઇન્ડસ્ટ્રિયલ એસ્ટેટમાં ખાદ્ય સુરક્ષા વિભાગ અને સ્થાનિક પોલીસ દ્વારા હાથ ધરવામાં આવેલી સંયુક્ત કાર્યવાહીએ ખ...
સૌરાષ્ટ્ર યુનિવર્સિટીમાં મોટો વહીવટી ફેરફાર:: પરીક્ષા નિયામક મનીષ શાહનું રાજીનામું, ટૂંક સમયમાં નવા નિયામકની જાહેરાત
રાજકોટની સૌરાષ્ટ્ર યુનિવર્સિટીમાં મહત્વપૂર્ણ વહીવટી ફેરફાર સામે આવ્યો છે. યુનિવર્સિટીના પરીક્ષા નિયામક ડૉ. મનીષ શાહે પોતાના પદ પરથી સ્વૈચ્છિક રાજીનામું આપ્યું છ...
તમે જે મસાલા વાપરો છો તે અસલી છે?: તમે જે મસાલા વાપરો છો તે અસલી છે? અમદાવાદમાં ભેળસેળી મસાલા સામે AMCની મોટી કાર્યવાહી, જય માતાજી ટ્રે...
આજના આધુનિક યુગમાં ભાગદોડભર્યા જીવનમાં જ્યારે લોકો પોતાના સ્વાસ્થ્યને લઈને સતર્ક બની રહ્યા છે, ત્યારે બીજી તરફ બજારમાં મળતી ખાદ્ય સામગ્રીઓમાં થતી ભેળસેળ એક ગંભી...